Sunday, November 27, 2011

TCSને $2.2 અબજનો બીજા ક્રમનો સૌથી મોટો કોન્ટ્રાક્ટ મળ્યો....


TCS grabbed second biggest bid of $ 22 million
ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ ( TCS) ને બુધવારે બ્રિટન સ્થિત પેન્શન કંપની ફ્રેન્ડ્સ લાઈફ તરફથી 2.2 અબજ ડોલરનો કોન્ટ્રાક્ટ મળ્યો છે , જે કંપનીનો અત્યાર સુધીનો બીજા ક્રમનો સૌથી મોટો આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ છે.

કોન્ટ્રાક્ટ્સ મળવાની સંખ્યા ઘટી રહી હોવાની અને ટોચના ગ્રાહકો નિર્ણય લેવામાં વિલંબ કરી રહ્યાં હોવાની ફરિયાદો કરતા ભારતના ટેક્નોલોજી ઉદ્યોગને ટીસીએસના આ કોન્ટ્રાક્ટથી સારા ભાવિની આશા બંધાઇ છે.

ટીસીએસે અગાઉ 2008 માં સિટીગ્રૂપ તરફથી 2.8 અબજ ડોલરનો કોન્ટ્રાક્ટ મેળવ્યો હતો જે તેનો અત્યાર સુધીનો સૌથી મોટો કોન્ટ્રાક્ટ છે.

બ્રિટનની કંપની તરફથી બુધવારે મળેલો કોન્ટ્રાક્ટ એવા મોડલ પર આધારિત છે જેના હેઠળ કંપનીને પ્રત્યેક વીમા સોદા માટે ચૂકવણી કરવામાં આવશે અને વર્તમાન ડિલિજેન્ટા પ્લેટફોર્મમાં અન્ય 32 લાખ પોલિસીનો ઉમેરો કરશે. આ પ્લેટફોર્મ ટીસીએસની બ્રિટન સ્થિત પેટાકંપનીની માલિકીનું છે.

બ્રિટન સ્થિત આઉટસોર્સિંગ એડ્વાઈઝરી ઓવમના વિશ્લેષક ઈડ થોમસે કહ્યું હતું કે અમારા રેકોર્ડ પ્રમાણે , 2005 પછી બ્રિટનમાં ખાનગી ક્ષેત્રનો આ સૌથી મોટો સોદો છે. આ સોદો 2008 ની નરમાઈના પ્રારંભથી દબાણ હેઠળ રહેલા વીમા ઉદ્યોગ તરફથી થયો હોવાથી તે વધારે મહત્ત્વપૂર્ણ બની ગયો છે.

આ કોન્ટ્રાક્ટ મળવાથી ટીસીએસ હવે બ્રિટનમાં સમાન પ્લેટફોર્મનો ઉપયોગ કરીને 80 લાખ જેટલી પોલિસીનું સંચાલન કરશે અને વધારાના કર્મચારીઓની ભરતી કર્યા વિના તેની આવકમાં વધારો થઈ શકશે. આ સોદાના ભાગરૂપે ફ્રેન્ડ્સ લાઈફના 1,900 જેટલા કર્મચારીઓને ટીસીએસના પેરોલમાં મોકલવામાં આવશે.

બ્રિટનની કંપની સાથેના સોદાની જાહેરાત બાદ બુધવારે બીએસઈ પર ટીસીએસનો શેર 1.77 ટકા વધીને રૂ. 1,123 એ બંધ રહ્યો હતો. સ્થાનિક બ્રોકરેજ મોતીલાલ ઓસ્વાલના અંદાજ પ્રમાણે , ડિલિજેન્ટાની આવક નાણાકીય વર્ષ 2011 ના રૂ. 772 કરોડના સ્તરથી 86 ટકા વધીને નાણાકીય વર્ષ 2013 માં રૂ. 1,444 કરોડે પહોંચી જશે.

સોદાના ભાગરૂપે , ડિલિજેન્ટા તેના બોર્ડમાં ફ્રેન્ડ્સ લાઈફના 1,900 કર્મચારીઓ લેશે અને તેનાથી બ્રિટનની પેટાકંપનીના કુલ કર્મચારીઓની સંખ્યા 3,700 એ પહોંચી જશે.

ટીસીએસના સીઈઓ એન ચંદ્રશેખરે બુધવારે જાહેર કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે વીમા ક્ષેત્રે અમારી મજબૂત હાજરી , સારો ઈતિહાસ અને પ્રોડક્ટ્સ અને પ્લેટફોર્મના નિર્માણ પાછળ વહેલું રોકાણ કરવા જેવા પરિબળોને કારણે આ કોન્ટ્રાક્ટ મળ્યો હતો.

ટીસીએસને અગાઉ બ્રિટન સરકારના પેન્શન વિભાગ તરફથી 60 કરોડ પાઉન્ડનો કોન્ટ્રાક્ટ પણ મળ્યો હતો . સ્પર્ધક કંપનીઓએ બિડ પાછી ખેંચી લેતા ટીસીએસ આપોઆપ આ સોદો જીતી ગઈ હતી .

No comments: